કોરોનાના સંક્રમણ સામે લડવા માટે દેશના પોલિસ, ડોક્ટર્સ, રાજ્યના અધિકારીઓ,કર્મચારીઓ ખડે પગે કામ કરી રહ્યા છે,અને દિવસ-રાત પોતાની ડ્યુટી કરી રહ્યા છે,સંકટના આ સમયમાં આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મ્યૂનિસિપલ કમિશ્વર એક મહિનાના દીકરાને છોડીને ઓફિસમાં જવાબદારી નિભાવી રહ્યાં છે. ક્યારેક ક્યારેક તેઓ બાળકને લઇને ઓફિસ પહોંચે છે.
બીજી ઘટના મધ્યપ્રદેશના જબલપુરની છે. લોકડાઉન વચ્ચે ડ્યૂટી પર પહોંચવા માટે એક પોલીસ કોન્સ્ટેબલ કાનપુરથી જબલપુર સુધી 450 કિલોમીટર પગપાળા ચાલ્યો હતો. હવે એસપી સહિત સમગ્ર પોલીસ કાફલો તે કોન્સ્ટેબલના જુસ્સાને સલામ કરે છે.
આન્ધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમના મ્યૂનિસિપલ કમિશનર સૃજનાએ એક મહિના પહેલા દીકરાને જન્મ આપ્યો. ત્યારબાદ કોરોના લોકડાઉન શરૂ થઇ ગયું. આવામાં વિશાખાપટ્ટનમ જેવા મહાનગરમાં મ્યૂનિસિપલ કમિશનરની કેટલી જરૂર હોય તે જણાવવાની જરૂર નથી. સૃજનાએ પણ જવાબદારી સમજીને ઓફિસ જવાનો નિર્ણય કરી લીધો. અત્યારે તેઓ પતિ અને દીકરાને માતા પાસે છોડીને રોજ ડ્યૂટી પર જઇ રહ્યાં છે. કમિશનર સાફસફાઇના કામની પણ દેખરેખ રાખી રહ્યા છે. પ્રેગનન્સીના અમુક દિવસો પહેલા સુધી પણ તેઓ ડ્યૂટી પર હતા.
મધ્યપ્રદેશ: ડ્યૂટી જોઇન કરવા કોન્સ્ટેબલ 450 કિમી પગપાળા ચાલ્યો
ઉત્તરપ્રદેશના કાનપુરમાં રહેતા આનંદ પાન્ડે મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે સેવા બજાવે છે. અત્યારેત તેઓ જબલપુરના ઓમતી થાણામાં ડ્યૂટી પર છે. તેઓ 20 ફેબ્રુઆરીએ રજા લઇને પત્નીના ઇલાજ માટે તેમના ગામડે આવ્યા હતા પરંતુ આ દરમિયાન લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. રજાઓ ખતમ થઇ ગઇ અને આનંદને ડ્યૂટી પર જવાનું હતું. તેઓ હાર માન્યા વિના 30 માર્ચના કાનપુરથી જબલપુર પગપાળા જવા નિકળ્યા. રસ્તામાં જ્યાં લિફ્ટ મળતી ત્યાં બેસી જતા અને પછી ઉતરીને પગે ચાલવા લાગતા. તેમને જબલપુર પહોંચવામાં 3 દિવસ લાગ્યા. એસપી એસ. બઘેલ સહિતના સ્ટાફે તેમના જુસ્સાની પ્રશંશા કરી.