જમ્મુ-કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે વાર્ષિક અમરનાથ યાત્રા રવિવારે સતત ત્રીજા દિવસે સ્થગિત કરવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે સત્તાવાળાઓએ રવિવારે જમ્મુ બેઝ કેમ્પ ખાતે શ્રદ્ધાળુઓના સમૂહને રોકી દીધા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રા સ્થગિત થતાં 6,000 થી વધુ અમરનાથ યાત્રા યાત્રીઓ રામબનમાં ફસાયેલા છે. કર્ણાટકના ઓછામાં ઓછા 80 લોકો પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે અમરનાથ ગુફાથી છ કિમી દૂર પંચતરણી ખાતે અટવાઈ ગયા હતા, કર્ણાટક સરકારે શનિવારે જણાવ્યું હતું.
રામબનના ડેપ્યુટી કમિશનર મુસરત ઇસ્લામે ન્યૂઝ એજન્સી એનએઆઇને જણાવ્યું હતું કે પ્રશાસન એ સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે કે શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે શનિવારે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી… અમારી પાસે અહીંના ‘યાત્રી નિવાસ’માં શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે તમામ શક્ય પગલાં લઈ રહ્યા છીએ.
ભૂસ્ખલનને કારણે NH-44 બંધ, સેંકડો વાહનો અટવાયા
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે રામબન ખાતે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે (NH44) વાહનોની અવરજવર માટે બંધ છે. દરમિયાન, ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થવાને કારણે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં માલવાહક ટ્રકો ફસાઈ ગઈ છે.
1 જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી ઓછામાં ઓછા 67,566 શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાની મુલાકાત લીધી છે. 5 જુલાઈના રોજ, લગભગ 18,354 શ્રદ્ધાળુઓ બાલટાલ બેઝ કેમ્પ અને નુનવાન બેઝ કેમ્પ બંનેમાંથી અમરનાથ ગુફા માટે રવાના થયા હતા.
આ સપ્તાહની શરૂઆતમાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમાં 12483 પુરૂષો, 5146 મહિલાઓ, 457 બાળકો, 266 સાધુઓ અને 2 સાધ્વીઓનો સમાવેશ થાય છે. આરંભથી અત્યાર સુધીમાં દર્શન કરનારા યાત્રિકોની કુલ સંખ્યા 67 હજાર 566 છે. આગામી દિવસોમાં વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લેશે. 62 દિવસ ચાલનારી શ્રી અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ 2023 ના રોજ સમાપ્ત થશે.