કેન્દ્ર સરકાર હવે મોંઘવારી કાબુમાં લેવા કેટલાક પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને તેમાં પ્રથમતો ખાદ્યતેલની કિંમત ઘટાડવા માટે કેન્દ્રએ સતત આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેની અસર ભારતના છૂટક બજારમાં ખાદ્યતેલના ભાવમાં પણ જોવા મળી છે.
જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ, ખાસ કરીને સોયા અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી હતી, આ દર માર્ચ 2024 સુધી ચાલુ રહેવાના હતા. હવે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બાદ ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.
કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિચારી રહી છે અને આ માટે પીએમ પોતે જલ્દી નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે.
21 મે, 2022ના રોજ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નિષ્ણાતોના મતે પેટ્રોલ પર 15 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટી શકે છે. જે બાદ દેશના રાજ્યો તરફથી વેટ ઘટાડવાનું દબાણ આવશે.
આમ,મોંઘવારી ઘટાડવા સરકાર સિરિયસ બની પગલાં ભરવા વિચારી રહી છે અને કેટલીક રાહતો લાવશે જેથી મોંઘવારી અંકુશમાં આવી શકે.