કોરોના મહાસંકટ વચ્ચે ગુજરાત ઝઝુમી રહ્યું છે ત્યાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતીઓ પર બીજુ સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીના દર્શાવ્યા અનુસાર 3 જુને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે.
વિન્ડી મુજબ ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેની અસર ગુજરાત પર 3 જુનના દિવસે થઈ શકે છે. અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડું સર્જશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે.
જો 3જી જૂને વાવાઝોડું આવે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્ર હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે.
અરબી સમુદ્રમાંથી આવી રહેલાં આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે. આ સાથે રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.