હીરાનગરી સુરતમાં હાલ કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો અને ડૉક્ટરો સુરતની મુલાકાત લઇ રહ્યા છે. હોસ્પિટલોમાં સારવાર અને ટેસ્ટને લઇને સક્રીય થયા છે. તાત્કાલિક ધોરણે સુરતમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે.
તો સરકારની સાથે વિવિધ સમાજ પણ આગળ આવ્યા છે અને કમ્યુનિટી સેન્ટર તૈયાર કરાયા છે. તેવામાં મનપાની સલાહ બાદ હવે સુરતવાસીઓ પણ પોતે સજાગ થઇને સ્વૈચ્છિક લૉકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક દુકાનદારો અને સોસાયટીમાં સ્વૈચ્છિક લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે. તો રાંદેર ટાઉનમાં 7 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે.
સુરતમાં સતત કોરોના કેર વધતા જતાં સુરતવાસીઓની ચિંતા વધી છે. ત્યારે સુરતના વેપારીઓ અને લોકો દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. રાંદેર અને અડાજણમાં ગુરૂવારે વેપારીઓએ સ્વૈચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી. આની સાથે જ આગામી કેટલાક દિવસો માટે પણ આવું જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
જેને લઇને શહેરના રિંગ રોડના પ્રાઇમ માર્કેટ સહિત તમામ માર્કેટ બંધ રહેશે. વરાછાના ચૌક્સી બજાર અને મિની બજાર પણ બંધ રહેશે. કોરોના સામે લડવા માટે વેપારીઓને આ પહેલના સમગ્ર શહેરમાં વખાણ થઇ રહ્યા છે.
સુરત મહાનગર પાલિકા કોઈપણ દુકાનદારને દુકાનો ખોલવાથી રોકવા માટે લૉકડાઉનનો કડક અમલ કરવાના આદેશ આપી રહ્યું છે. મનપાના કર્મચારીઓ દુકાને-દુકાને જઇને શહેરની સ્થિતિને લોકોને સમજાવી રહ્યા છે. લોકોને સંક્રમણથી બચાવવા અને બીજાને પણ બચાવવા માટે 8થી 10 દિવસ માટે સ્વૈચ્છિક લૉકડાઉનની અપીલ કરી રહ્યા છે.
મનપાની અપીલ બાદ કેટલાક લોકોએ એક અઠવાડિયા માટે દુકાનો બંધ રાખવા માટે સહમતિ દર્શાવી છે. જોકે જે લોકો દુકાનો સ્વૈચ્છાએ બંધ નહીં કરે, તેમને આદેશ આપવામાં આવ્યા છે કે દુકાનોમાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડક પાલન કરે. જો કોઇ ખુલ્લી દુકાનમાં નિયોમનું પાલન કરતો નહીં જણાય તો તેમના પર મોટો દંડ ફટકારવામાં આવશે અને તેની સાથે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુરતમાં મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થતાં લોકો વધુ ચિંતિત છે. લોકો સેલ્ફ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યાં છે. તો કેટલીક સોસાયટીઓમાં લોકોએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કરી દીધું છે.