સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. જુલાઈ મહિનાની શરૂઆતથી સુરતમાં જે રીતે કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા નોધાઈ રહ્યા છે જે ચોંકાવનારા છે. દરરોજ નોંધાતા આંકડાઓમાં સુરતે હવે અમદાવાદને પાછળ છોડી દીધું છે. જોકે ચિંતા હવે વૃદ્ધોની પણ સતાવી રહી છે. સુરતમાં વૃદ્ધો પર કોરોના વાયરસ ઘાતક થઈ રહ્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 291 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મૃતકોમાંથી 10 મૃતકો વૃદ્ધ હતા. આંકડાઓ પર નજર કરીએ તો 50 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે સુરતમાં કોરોના હાવી થઈ રહ્યો છે. આ દર્દીઓ ઝડપથી રિકવર નથી થઈ રહ્યા.
જુલાઈ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો 1 જુલાઈથી 14 જુલાઈ સુધી સુરતમાં કોરોના વાયરસના કારણે 181 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં 136 મૃતકો વૃદ્ધ છે. જે દર્શાવે છે કે સુરતમાં કોરોના વાયરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે. અને વૃદ્ધો પર ઝડપથી હાવી થઈ રહ્યો છે.
સુરતમાં કોરોનાના અત્યાર સુધી 8 ,950 કેસ નોંધાઈ ચૂક્યા છે. અને કોરોનાના કારણે 375 દર્દીના મૃત્યુ થયા છે. આ 375 મૃત્યુમાંથી 181 લોકોના મૃત્યુ ચાલુ મહિનામાં જ થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં હવે કોરોનાએ ભરડો લીધો છે. જો બંન્ને મહાનગરો વચ્ચે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બહું વધુ અંતર નથી. અમદાવાદમાં 3776 અને સુરતમાં 2864 કેસ એક્ટિવ છે હાલ.