દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.જો કે અમદાવાદ શહેરમાં આગામી 4 દિવસ દરમિયાન હજુ સારા વરસાદની શક્યતાઓ જણાતી નથી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 209 મિમી. બનાસકાંઠાના દિયોદરમાં 190 મિમી અને નવસારીના ખેરગામમાં 144 મિમી વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી છે. તે ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 57 તાલુકાઓમાં વરસાદ થયો છે. વાંસદા, તલાલા અને ગણદેવીમાં સૌથી વધુ વરસાદ આજે સવારે થયો છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ, રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છ, જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.