સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીને ઉપચારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે. તેવામાં હાલ દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સીજનનો જથ્થો ખૂટી રહ્યો છે. ત્યારે હવે દેશમાં ઓક્સીજનની આપૂર્તિ ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ સજ્જ બન્યું છે.
ઓક્સિજનના ઝડપી પરીવહન માટે રેલ્વે દેશભરમાં વિશેષ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવશે. જેમાં ભારતીય રેલ્વેએ મુખ્ય કોરિડોરમાં લીક્વીડ મેડીકલ ઓક્સીજન અને ઓક્સિજન સિલિન્ડરોના પરિવહન માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભારતીય રેલ્વે રાજ્યોમાં ઓક્સિજન વહન માટે વિશેષ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. રેલ્વેના આ નિર્ણયથી દેશના વિવિધ રાજ્યોમાં ઉભી થયેલી ઓક્સીજનની અછતને નિવારી શકાશે.
રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટ્રેનોમાટે ગ્રીન કોરીડોર બનાવાયો છે. રેલ્વે વિભાગ આ કોરીડોર પર લીકવીડ મેડીકલ ઓક્સિજન તથા ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે સજ્જ છે. રેલ્વે અધિકારીઓ, પરિવહન કમિશ્નરો તથાઆ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં આ અંગેની કાર્ય યોજના ઘડવામાં આવી હતી. રેલ્વેપ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, કોવિડ સામેની લડતમાં રેલ્વે વિભાગ કોઇ કસર છોડશે નહીં.