ગુજરાત રાજ્યની એસટીમાં નવસારી ડેપોમાં કંડકટર તરીકે કામ કરતા ખુશ્બુબેન અશોકકુમાર પટેલે બસમાં ભુલાઈ ગયેલું રોકડ ભરેલું પાકીટ ડેપો મેનેજરને જમા કરાવીને પ્રમાણિકતા દર્શાવી હોવાથી એસટી બોર્ડ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરતથી નવસારી જતી બસમાં ખુશ્બુબેન પટેલ કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મરોલીથી એક પ્રવાસી આ બસમાં ચડેલ. આ પ્રવાસી નવસારી આવતા ઉતરી ગયેલ. નવસારી ડેપોમાં જયારે આ બસ ખાલી થઇ ત્યારે ખુશ્બુનું ધ્યાન આ પાકીટ ઉપર પડતા તુંરત જ તે પાકીટ ડેપો મેનેજરને જમા કરાવેલ. ડેપો મેનેજરે આ પાકીટ ખોલીને જોયું ત્યારે તેમાં રૂ. ૨૨૭૦૦/- રોકડ તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ હતા. આ ફોટો આઈડીના આધારે તપાસ કરતા આ પાકીટ મરોલીના એયુબ ઈસ્માઈલનું હતું. આ ભાઈનો સંપર્ક કરીને નવસારી ડેપોમાં બોલાવીને આ પાકીટ સુપરત કરેલ.
એયુંબભાઈને આ ખોવાયેલ પાકીટ પરત મળવાથી કંડકટર ખુશ્બુબેનને ઇનામ આપતા હતા પરંતુ ખુશ્બુબેને આ પાકીટ તમારું છે અને મે મારી ફરજ નિભાવી છે તેમ કહી ઇનામ લેવાની ના પાડી હતી. એસટી બોર્ડે કંડકટર ખુશ્બુબેન પટેલને અમદાવાદ બોલાવી મુખ્ય કાર્યાલય ખાતે એમડી સોનલ મિશ્રાના હસ્તે સન્માનપત્ર અને રૂ. ૧૧૦૦/- ઇનામ આપીને પ્રમાણિક કંડકટર તરીકેનું સન્માન કર્યું હતું.