રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જો કે અમદાવાદ સહિતના અમુક શહેરો આજે પણ કોરાધાકોળ રહ્યા હતા. બીજી તરફ આગાહીને પગલે સૌરાષ્ટ્રના અમરેલી-ધારી ગીર ધારીના ચલાલા, સરસીયા, અમૃતપુર, ઝર, મોરઝર, છતડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સારા વરસાદ બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ થયો છે, જ્યારે મહેમદાવાદ અને માણાવદરમાં પોણા 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ તલાલામાં સવા 2 ઈંચ અને સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉમરાળા, ઉના, અને ચાણસ્મામાં 1.5 ઈંચ થયો છે, જ્યારે ખેડામાં સવા ઈંચ તથા વડગામ, વંથલી, કાલાવડ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધીમીધારે વરસતું પાણી જમીનમાં ઉતરતું હોવાથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી. વધુમાં વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી હતી.
વધુમાં ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘા મહેર વર્ષી હતી. ધોરાજી પંથકમાં વરસાદે જોરદાર જમાવટ કરી હતી. ધીમી ધારે ખાબકેલા મેઘરાજાએ મન મૂકીને વ્હાલ વરસાવતા એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની અવિરત બેટિંગને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત અમરેલી પંથક પર આજે મેઘરાજાની પધરામણી થઇ હતી. લીલીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું.ત્યારબાદ અમરેલીના લીલીયા, જાફરાબાદ,ધારી,ગીર બાદ લીલીયા પંથકમાં વરસાદ ત્રાટક્યો હતો.જાફરાબાદના બાલાનીવાવ ખાતે પણ વરસાદ પડયો હતો.નોંધનિય છે કે, નાગેશ્રી, ખાલસા,કંથારીયા,મીઠાપુર સહિત અમરેલી જિલ્લામાં સતત 9 માં દિવસે મેઘની મહેર ધીમીધારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને બફારામાથી રાહત મળી હતી.