રાજયના વાતાવરમાં છેલ્લા 3 દિવસથી માહોલ બદલાયો છે. ગરમીને બદલે હવે ઉકાળો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં આજે રાતે વરસાદ પડવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટવાની સંભાવના છે. રાજ્યમાં ગઈકાલે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના ભાગરૂપે ધંધૂકામાં 34 એમએમ વરસાદ પડ્યો છે.
ભારે ગરમીથી કંટાળી રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેનો હવે અંત આવશે. આજે સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. સવારથી આકાશમાં વાદળો ઘેરાયાં છે. સાથે જ આજથી પાંચ દિવસ માટે સૂરજ ઢંકાયેલો જ રહેશે તેવી શક્યતા છે. બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જોકે વાદળછાયા વાતાવરણમાંય સવારે થોડી ઠંડક પ્રસરેલી રહે છે, પરંતુ બપોર થતાં જ બફારાનું પ્રમાણ અત્યંત વધી જવા પામ્યું છે.જો કે, બપોર બાદ સુરેન્દ્રનગરના ચૂડા ખાતે સામાન્ય વરસાદ શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતાં