ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સંક્રમણને જોતા તેમજ ચાલુ મહિને આવતા તહેવારોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરાઈ છે.
જે મુજબ રાજ્યમાં આવતીકાલ એટલે કે મંગળવારથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આ મામલે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટના દિશા-નિર્દેશ બાદ માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેની સાથે જ સીએમ રૂપાણીએ રાજ્યની પ્રજાને તહેવારમાં બહાર ન નિકળવા માટે પણ ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે.
તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશની અમલવારી મંગળવારથી રાજ્યમાં શરૂ થઈ જશે.
આવતી કાલથી રાજ્યભરમાં ચેકિંગ પણ કડક રીતે કરવામાં આવશે અને માસ્ક વિના ઝડપાશે તેને 1000 રૂપિયા દંડ તરીકે ભરવા પડશે. મહત્વનું છે કે આ પહેલા માસ્ક ન પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવતો હતો.