કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે જે હવે સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે તેને લંબાવી લોકડાઉન 5 કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
બે મહિનાથી લોકડાઉન હોવાથી લોકો ઘરમાં પુરાઈને માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. જેથી લોકોની માનસિક હાલત સુધારા પર આવે તે અતિ જરૂરી છે અને તેના માટે વિવિધ પ્રકારની એકટીવિટી જરૂરી છે તેમજ મનની શાંતિ માટે ધાર્મિક સ્થાનો અતિ મહત્વના છે જેથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત રાખશે પણ આ સાથે છૂટછાટ વધારશે.
હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે તે પ્રતિબંધ જ રહેશે, પરંતુ રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધનો સમય સાંજના 7થી સવારના 7 સુધીનો છે તે ઘટાડાશે. ઉપરાંત દેવ-દર્શન માટે અત્યાર સુધી ઝૂરતા શ્રદ્ધાળુઓ માટે મંદિર,મસ્જિદ,ગુરુદ્વારા અને ચર્ચ ખોલી નાખવામાં આવશે.
નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ, હોટલ પણ ખોલવામાં આવી શકે છે જે શરતોને આધિન જ રહેશે. જોકે ગુજરાતમાં હાલ સ્કૂલ-કોલેજો શરુ કરવામાં નહીં આવે. તેમજ જાહેર કાર્યક્રમ, મેળાવડા પર પ્રતિબંધ રહેશે.