અત્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે હવે તેને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે,મળતી માહિતી પ્રમાણે આગામી તા.15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે.
જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. જેમાં શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે.
ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરોમાં જ્યાં કોરોના હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં પણ આગામી બે દિવસના કેસોની સંખ્યાને આધારે 2થી 4 કલાક લોક ડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ પ્રકારના શહેરોના ઓરેન્જ અને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આખો દિવસ છૂટછાટ આપવામાં આવે, પરંતુ એ વિસ્તારની બહાર જવા અને ખાસ કરી હોટ સ્પોટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકી શકે છે.
રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. નવી ગાઇડલાઇન્સ મુજબ 17મી પછી શહેરી વિસ્તારોમાં અવર-જવર માટે અધિકૃત પાસની આવશ્યકતા નહીં રહે તેમજ 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે.
ખાસ કરીને સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે