કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે કોરોનાની અસર ભણતર પણ થઈ છે તે સાબિત ધોરણ 10ના પરિણામે કર્યું છે, ગતરોજ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે કુલ 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે.
ત્યારે ગુજરાતની એક એવી શાળા છે જ્યાં શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. શાળાના શિક્ષણ સામે સવાલ ઉઠાવતો કિસ્સો આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળામાં બન્યો છે, આ આ શાળામાં શૂન્ય પરિણામ આવ્યું છે. શાળાના 25 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ 25માંથી એકપણ વિદ્યાર્થી પાસ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વર્ષના પરિણામે ઉમરેઠની 51 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં કેવું ભણતર અપાય છે તેની પોલ ખૂલી છે. ત્યારે સ્કૂલના શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.
તો બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છાોડી દીધા છે. દીકરીઓનું 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે. તો સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં એક રિક્ષા ચાલકના દીકરા આકાશ મોદીએ 90 ટકા મેળવ્યા હતા.