ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુધવારે વહેલી સવારે હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને દાખલ કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મુંબઈ-અમદાવાદ હાઇવે પર અંકલેશ્વર શહેર નજીક વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ બની હતી.
બે ટ્રક સાથે કાર અથડાઈ
“મહારાષ્ટ્રના પાલઘરના સાત લોકો ઉર્સમાં હાજરી આપીને અજમેર (રાજસ્થાન) થી પરત ફરી રહ્યા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની,” પાનોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ જણાવ્યું. નજીકના પુલ પર, કારને પહેલા એક ટ્રકે ટક્કર મારી હતી. પાછળથી આવી રહેલ ટ્રકને કારણે કાર ધીમી ગતિએ આગળ વધી રહેલા બીજા ટ્રક સાથે અથડાઈ ગઈ. તેમણે કહ્યું કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
મૃતકોની ઓળખ
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ તાહિર શેખ (32), અયાન (23) અને મુદસ્સર (26) તરીકે થઈ છે. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. જેમને ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.