CMO સચિવ અશ્વિની કુમાર દ્વારા શિક્ષણ જગત અને અનાજ પુરવઠાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય. ગુજરાત સરકાર દ્વારા કોલેજ, યુનિવર્સીટી 15 એપ્રિલથી 16મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવે છે. આ સાથે જ તેમણે બીજી પણ મહત્વની વાતો જણાવી હતી.
અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય. તેમ જ માર્ચ-એપ્રિલ-મે ની ત્રણ મહિનાની ફી સપ્ટેબર સુધી ભરી શકાશે. આ ફી માટે વાલીઓ માસિક હપ્તો પણ ભરી શકશે. તેમણે તેમ પણ કહ્યું કે કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે.
આગળ તેમણે મહત્વની વધુ એક જાહેરાત કરતા કહ્યું કે કોલેજ, યુનિવર્સિટીમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશન અપાયું છે. જ્યારે 18 મે થી આગળના સમયમાં પરીક્ષા લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને કહ્યું હતું કે 16 એપ્રિલથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.