સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે બેઠક યોજાઈ હતી.
રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ બેઠક કરી. મંદિર, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે આજની બેઠકમાં મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી પાદરીઓ પણ જોડાયા.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી મંદિર ખોલવા મુદ્દે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.
કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહારાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.