અમદાવાદના જમાલપુર માર્કેટને લઈને મોટા સમાચાર આવ્યા છે. જમાલપુર APMC બંધ રહેશે. જેને કારણે શાકભાજીના ભાવમાં ભડકો થશે. એટલું જ નહીં પરંતુ આ કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને નાના મોટો અનેક વેપારીઓને આવક પણ રૂકાશે.
15 જુલાઇ સુધી વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતા. વેપારીઓને મંજૂરી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુર ખસેડાયું છે. પોલીસ કમિશનરે પરવાનગી ન આપતા માર્કેટ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે. માર્કેટ બંધ રહેતા શાકભાજીના ભાવ પર મોટી અસર પડશે.
હાલ રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વધુ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં રોજનાં કોરોનાનાં કેસો 900થી વધુ નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના વધુ 925 કેસ નોંધાયા છે. અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
અનલોકનાં તબક્કામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં વધુ 236 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં નવા 173 કેસ નોંધાયા છે.
આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 44 હજાર 668 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 2 હજાર 81 અને ડિસ્ચાર્જનો કુલ આંક 31 હજાર 346 પર પહોંચ્યો છે. સતત નવા નોંધાતા કેસોને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11 હજાર 221 છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 11 હજાર 153 દર્દીઓની હાલત સ્થિર છે.