કોરોના વાયરસની મહામારીએ વિશ્વઆખામાં કહેર મચાવી રાખ્યો છે. ત્યારે ગુજરાત માટે એક ખરાબ સમાચાર છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ સૌથી ઓછો છે. ભારતનો રિકવરી રેટ 19 ટકા છે જેની સરખામણીએ ગુજરાતના દર્દીઓનો રિકવરી રેટ માત્ર 6.3 ટકા જ છે, ઉપરાંત મૃત્યુદર ગુજરાતનો દેશમાં સૌથી વધુ છે.
રાજ્ય સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ગુજરાતનો રિકવરી રેટ સુધરશે.22 એપ્રિલ સુધીમાં દેશભરમાં 20471 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે દેશભરમાંથી 3960 દર્દી સાજા થઈ ઘરે પહોંચી ગયા. જેનો મતલબ કે અત્યાર સુધીમાં ભારતમાં 19 ટકા દર્દી સાજા થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતનો રિકવરી રેટ દેશભરમાં સૌતી ઓછો છે. કુલ 2272 કેસમાંથી 144 દર્દી જ રિકવર થયા છે.અન્ય રાજ્યો સાથે સરખામણી કરવામાં આવે તો કેરળમાં 75 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે.
અત્યાર સુધીના 427 કેસમાંથી કેરળના 307 લોકો રિકવર થઈ ગયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યા છે. જો દેશના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 5221 કેસ નોંધાયા છે જેમાંતી 722 દર્દીની રિકવરી સાથે 13 ટકાનો રિકવરી રેટ છે.
આપને જણાવી દઇએ કે ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સૌથી ખરાબ છે જ્યાં અનુક્રમે 1434, 364 અને 297 કેસ નોંધાયા છે, આ ત્રણ શહેરમાં જ ગુજરાતના 88 ટકા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 56 લોકો સાથે રિકવરી રેટ માત્ર 3.9 ટકા છે, જ્યારે સુરતમાં 3 ટકા અને વડોદરામાં 3.8 ટકા રિકવરી રેટ છે.