અમદાવાદની સ્થિતિને લઈને ઉંઘતી સરકાર સફાળી જાગી છે. ગઈકાલે આવેલા 441 કેસ અને 49 મોતને કારણે ગુજરાત સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે અમદાવાદમાં સત્તાના સુત્રો સમાન અધિકારીઓની પેનલ બેસાડ્યા બાદ કેન્દ્રમાંથી ડોક્ટરની પેનલ માટે પણ મદદની ગુહાર લગાવી છે. જો કે આનો એક અર્થ એમ પણ થાય કે ગુજરાત સરકારના હાથમાં હવે અમદાવાદની સ્થિતિ રહી નથી.
ગુજરાતમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ વધુ ગંભીર છે. CM રૂપાણીએ કેન્દ્રમાં મીટ માંડી છે. અમિત શાહને વિનંતી કરીને 3 ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદ મોકલવા માટેની રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોનાને કાબુ લાવવા માટે CM દ્વારા કેન્દ્રની મદદ માંગવામાં આવી રહી છે.
CM રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા વિનંતી કરી છે
મુખ્યમંત્રીએ આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને DYCM નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સિવિલ કેમ્પસમાં કાર્યરત અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલની સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી.
નોંધનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા તેમને 2 અઠવાડિયા હોમ ક્વોરેનટાઈન કરી દેવાયા છે અને સિનિયર IAS અધિકારી મુકેશ કુમારને ઇનચાર્જ કમિશ્નર બનાવાયા છે. જે રાજીવકુમારના ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કામ કરશે.