લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતમાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની વસ્તુઓને લઇને એક આક્રોશ જોવા મળી રહ્યો છે.
નાગરિકોએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી તરફ વળવાના પ્રયાસ કરી રહ્યા છે તો કોઇ સ્થળે ચીનના રાષ્ટ્રધ્વજને સળગાવીને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આવો જ એક વિરોધ આજે કરણી સેનાએ રિલીફ રોડ પર કર્યો હતો.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ચીન સામે કરણી સેનાએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ચીનના મોબાઇલ, TV સહિતની વસ્તુઓની તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો છે.
રિલીફ રોડ પર મોટી સંખ્યામાં કરણી સેનાના સ્વયંસેવકો એકઠાં થયાં હતા અને ચીનના મોબાઇલ, TV સહિતની વસ્તુઓની તોડફોડ કરી હતી. આ મામલે કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ રાહુલ સિંહ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે લોકો આજે આ માર્કેટના તમામ વેપારીઓને એક આવેદન આપવા આવ્યા છીએ કે, સરહદ પર આપણા જવાનો જે રીતે શહીદ થયાં છે.
તેમના માનમાં હવેથી 2 પૈસા વધુ કમાવવાની લાલચમાં ચાઇનાની કોઇપણ પ્રોડક્ટનું વેચાણ ન કરે. જેટલો જુનો માલ છે તેનું વેચાણ કરી દે, અને જો આગામી સમયમાં જો વધુ માલ ભરશે તો કરણ સેના પોતાના ઓરીજનલ સ્વરૂપમાં આવેદન આપવા આવશે.