કોરોનાએ સમગ્ર અમદાવાદને બાનમાં લીધું છે. માત્ર 35 દિવસમાં 2181 કોરોનાના પોઝિટિવ કેસ અને 104 લોકોના મોતે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે અમદાવાદની કોરોનાની પરિસ્થિતિનો તાગ લેવા કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમના બે દિવસથી અમદાવાદમાં ધામા છે. કોર્પોરેશનની ટીમ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પાસેથી મળતી સુત્રોની માહિતી મુજબ અમદાવાદમાં લોકડાઉન વધારવા અંગે ચર્ચા થઈ છે. જો કે આ મુદ્દે વાત કરવા કોઈ પણ અધિકારી તૈયાર નથી.
ભુપેન્દ્ર ભલ્લાની અધ્યક્ષાતા વાળી પાંચ લોકોની કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમ ગઈ કાલથી અમદાવાદની કોરોના પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. ગઈ કાલે મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર સાથે મિટિંગ કરી હતી. જ્યારે આજે કેન્દ્રીય ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગઈ હતી.
તેઓએ કોવિડ વિભાગની વિઝિટ કરી દર્દીઓ અને ડૉક્ટરો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય ટીમ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અન્ય એક બેઠક થઈ હતી જેમાં અમદાવાદમાં લોકડાઉન વધારાવા અંગે ચર્ચા થઈ છે.
મોડી સાંજે કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમ માંડલની કોઈ એક શાળાની મુલાકાતે પહોંચી હતી. જો કે ટીમ કેમ ત્યાં ગઈ તે અંગે કોઈ માહિતી હજુ સુધી આવી નથી. આ સાથે બેઠકમાં કોરોના સંક્રમણને કેવી રીતે ઘટાડી શકાશે એ અંગે રણનીતિ ઘડાઈ છે. ગ્રાઉન્ડ લેવલ પર થયેલાં કામ અને આગળનું આયોજન મુદ્દે લાંબો સમય ચર્ચા ચાલી હતી.