અમદાવાદમાં કોરોનાની પહેલી પોઝિટિવ દર્દી 21 વર્ષીય નિયોમી શાહે આખરે 31 દિવસની લડત બાદ કોરોના સામેની જંગ જીતી ગઈ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નિયોમી શાહને 31 દિવસની કોરોનાની સૌથી લાંબી સારવાર બાદ એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મહત્વનું છે કે નિયોમી બાદ દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં કોરોનાની પહેલી પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને આખરે 31 દિવસ પછી એસવીપી હોસ્પિટલમાંથી શુક્રવારે રાત્રે ડિસ્ચાર્જ કરવામાં આવી… નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા, પરંતુ તેને કોરોનાનાં લક્ષણો દૂર થઈ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી.
અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતાં તેને રજા આપવામાં આવી હતી. 31 દિવસ પછી ઘરે પહોંચેલી નિયોમીએ જણાવ્યું કે કોરોનાને લઈને અત્યારે લોકો ખૂબ જ ગભરાયેલા છે. પણ હું એટલું જ કહીશ કે ગભરાવવાને બદલે લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરી પોતાનું ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે..હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા નિયોમીનું તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કોરોના સામેની લડત જીતવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…