દેશભરમાં ત્રણ મે સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. ફિલ્મ તથા ટીવી સિરિયલ્સના શૂટિંગ 19 માર્ચથી બંધ છે. લૉકડાઉનની વચ્ચે ચર્ચા થઈ રહી છે કે અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝન આવશે. ઉલ્લેખનીય છે કે આ શોની 11મી સિઝન ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ શો ટીઆરપી રિપોર્ટમાં ટોપ ફાઈવમાં રહેતો હતો. ચાહકો આ શોની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
હાલમાં જ સોની ટીવીએ અચાનક જ ત્રણ શો બંધ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ‘બેહદ 2’, ‘પટિયાલા બેબ્સ’ તથા ‘ઈશારો ઈશારો મૈં’ સામેલ છે. આ શો અધવચ્ચેથી બંધ કરી દેવામાં આવ્યા છે. લૉકડાઉન બાદ આ શોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે નહીં.
સૂત્રોના મતે, અમિતાભ બચ્ચનના શોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમ પણ એપ્રિલમાં ‘કેબીસી’નું રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતું પરંતુ હાલમાં થઈ શક્યું નથી. લૉકડાઉન બાદ આ શરૂ કરવામાં આવશે, તેમ માનવામાં આવે છે.
અમિતાભ બચ્ચને ગયા વર્ષે બ્લોગ પર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ડોક્ટર્સે તેમને આરામની સલાહ આપી હતી. જોકે, ડોક્ટર્સની આ વાત અવગણીને બિગ બીએ‘કેબીસી 11’ના ત્રણ એપિસોડ એક જ દિવસે શૂટ કર્યાં હતાં. ‘
કેબીસી 11’ના ત્રણ એપિસોડનું શૂટિંગ એક સાથે કરવું, તેનો અર્થ એમ છે કે તેમણે 18 કલાક સુધી કામ કર્યું હતું. નોંધનીય છે કે આ શો વર્ષ 2000થી શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ શોની 11 સિઝન પ્રસારિત કરવામાં આવી છે. માત્ર ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. બાકીની તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી.