સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં આજે મોટા સમાચાર આવ્યા છે જેમા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સ્ટાર્સએ પોતાનું રિએેક્શન આપ્યું છે.
ચુકાદા બાદ બોલિવૂડના એક્શન હીરો અક્ષયકુમારે કહ્યું કે સુપ્રીમે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યો. આશા છે કે હવે સત્ય બહાર આવશે.
ક્રિતી સેનને ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા બે મહિના ખુબ જ બેચેની ભર્યા રહ્યાં છે કારણ કે કશું સ્પષ્ટ નહતું. સીબીઆઈ તપાસ માટેનો સુપ્રીમ કોર્ટનો આદેશ આશાનું એક કિરણ છે જે દર્શાવે છે કે આખરે સત્ય ચમકશે. આપણે બધા આશા રાખીએ અને હવે ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકો તથા સીબીઆઈને તેમનું કામ કરવા દો.
સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તપાસના આદેશ બાદ અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે જય હો…જય હો…જય હો….
અંકિતા લોખંડેએ ટ્વિટ કરીને કહ્યું કે ન્યાય એ જ છે જે સત્ય બતાવે, સત્યની જીત થઈ છે.
સુપ્રીમ કોર્ટે આગળ એમ પણ કહ્યું કે બિહાર પોલીસને એફઆઈઆર નોંધવાનો અધિકાર હતો. પટણામાં નોંધાયેલી એફઆઈઆર યોગ્ય હતી. બિહાર પોલીસને પણ કેસની તપાસ કરવાનો અધિકાર હતો. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે આ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર માટે મોટી જીત છે. હવે ન્યાય મળવાની આશા છે.