કોરોનાવાઈરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન, ઈટલી બાદ હવે ભારતમાં કોરોનાવાઈરસના 34 કેસ સામે આવ્યા છે. કોરોનાવાઈરસને કારણે બોલિવૂડ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે.
અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ તથા કરન જોહરની ‘તખ્ત’નું શૂટિંગ રાજસ્થાનમાં થવાનું હતું પરંતુ હાલ પૂરતું તે કેન્સલ કરી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ એવી ચર્ચા થઈ રહી છે કે અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ તથા રણવીર સિંહની ‘83’ની રિલીઝ ડેટ બદલવામાં આવશે.
યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ રાજસ્થાનમાં થવાનું હતું પરંતુ રાજસ્થાનમાં ઈટલીના પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતાં અને તેને કારણે અહીંયા કોરોનાવાઈરસને લઈ વધુ સજાગતા દાખવવામાં આવ્યું છે. આ જ કારણથી અક્ષય કુમારે રાજસ્થાનમાં શૂટિંગ કેન્સલ કરી નાખ્યું છે અને તે મુંબઈ પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં છે. માનુષી આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની હતી. જોકે, શૂટિંગમાં મોડું થતાં આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકશે કે નહીં તેને લઈ આશંકા છે.
કરન જોહરની મહત્ત્વકાંક્ષી તથા બિગ બજેટ ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ જયપુર તથા જેસલમેરમાં થવાનું હતું. જોકે, આ શૂટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. અનિલ કપૂરે ‘તખ્ત’ની તૈયારી કરતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, જાહન્વી કપૂર તથા ભૂમિ પેડનેકર છે.
કાર્તિક આર્યન તથા કિઆરા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ રાજસ્થાનના માંડવામાં થવાનું હતું. જોકે, હવે માંડવાને બદલે આ શૂટિંગ લખનઉમાં કરવામાં આવશે.
તેની સાથે જ ‘બાગી 3’એ જોઈએ એવી કમાણી કરી નથી. કોરોનાવાઈરસને કારણે લોકો ઘરની બહાર વધુ નીકળવાનું પસંદ કરતા નથી. આથી જ રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે પોતાની બે ફિલ્મ ‘સૂર્યવંશી’ તથા ‘83’ની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના મતે, ‘સૂર્યવંશી’ 24 માર્ચને બદલે હવે 10 એપ્રિલે રિલીઝ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે પહેલાં ‘83’ રિલીઝ થવાની હતી. હવે, ‘83’ 29 મેએ રિલીઝ થાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે 22 મેના રોજ સલમાન ખાનની ‘રાધે’ તથા અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ તથા વિન ડીઝલની ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 9’ રિલીઝ થવાની છે.
આ ફિલ્મના એક વીક બાદ ‘83’ને રિલીઝ કરવાનો પ્લાન છે. જોકે, હજી સુધી સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝને લઈ કોઈ માહિતી આપવામાં આવી નથી. ફિલ્મ ક્રિટિક તથા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ બોલિવૂડ ફિલ્મ રિલીઝમાં ફેરફાર કરે તેવી આશંકા જગાવતી ટ્વીટ કરી હતી.
‘પહેલાં ચર્ચા હતી કે ‘અંગ્રેજી મીડિયમ’ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવશે. જોકે, ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજને કહ્યું હતું કે આ ફિલ્મ શિડ્યૂઅલ ડેટ પર જ એટલે કે 13 માર્ચે જ રિલીઝ થશે. આ ફિલ્મમાં ઈરફાન ખાન, રાધિકા મદન, દીપક ડોબરિયાલ, કરીના કપૂર જેવા કલાકારો છે.