કોરોનાવાઈરસની લડાઈમાં બોલિવૂડ સ્ટાર્સ સરકારને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હવે, શાહરુખ ખાનની કંપનીએ સરકારને મદદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગ લડા માટે દેશના નાગરિકો પાસે રાહતફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી છે.
આ અપીલને ધ્યાને લઇને બોલિવૂડ, રમત ગમત સહિત અન્ય ક્ષેત્રોના નામી અનામી લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું છે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા અદાકાર શાહરૂખ ખાને પણ કોરોના સામેની જંગમાં પોતાનું અનુદાન આપવાની જાહેરાત એક ટ્વીટ કરીને કરી હતી.
શાહરુખ ખાને કહ્યું હતું, આ લડાઈમાં સરકારનો સાથ આપવા માટે મારા તરફથી કોન્ટ્રીબ્યૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે અલગ-અલગ પ્રકારના ઈનીશિએટિવ્સની સાથે આવ્યા છીએ. આજે આપણે એવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, જેમાં માનવતાની ઉદારતા જ તેની સાચી પ્રતિક્રિયા હોઈ શકે છે.
આ સમયે આપણે બધાએ એકબીજાને સાથ આપવાનો છે, જેથી આપણે આગામી દિવસોનો સામનો એકબીજા સાથે વધુ મજબૂત તથા દયાળું થઈને કરી શકીએ. આ મુશ્કેલ સમય આસાનીથી પસાર થવાનો નથી. આમાંથી બહાર આવતા સમય લાગશે. આપણે બધાએ આ સમયમાંથી પસાર થવાનું છે અને સાથે જ આ પરિસ્થિતિમાં આપણે એ વાત સમજવાની છે કે પોતાની મદદ કરવામાં અને એકબીજાની મદદ કરવા વચ્ચે કોઈ અંતર નથી. આ મહામારીના પ્રસારમાં આનાથી વધુ કોઈ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે આપણે બધા એકબીજા સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાયેલા છીએ. આથી જ આપણે પોત-પોતાની ક્ષમતા પ્રમાણે એકબીજાની મદદ કરી શકીએ છીએ.