લૉકડાઉનને કારણે થિયેટર્સને ડિજિટિલ પ્લેટફોર્મ તરફથી બરોબરની ટક્કર મળી રહી છે. ટ્રેડ પંડિતો તથા પ્રોડ્યૂસર્સે કહ્યું હતું કે તમામ ડિજિટિલ પ્લેટફોર્મે અત્યાર સુધી બની ગયેલી ફિલ્મ તથા વેબ શો માટે સંપર્ક કર્યો છે. તેઓ 1500થી 2000 કરોડ સુધીનો રોકાણ કરવા તૈયાર છે.
પ્રોડ્યૂસર્સને સારી ડીલ મળશે તો તેઓ આ અંગે વિચારી શકે છે. હાલમાં જ ન્યૂઝ હતાં કે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ને ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે ડિરેક્ટર તૈયાર છે. સલમાન ખાન પ્રોડક્શનની બિઝનેસ ડીલ જોતા જોર્ડી પટેલે આ અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે ઈન્ડિયન પ્રોડ્યૂસર્સ હાલ એવી સ્થિતિમાં નથી કે આગામી એક વર્ષ સુધી ફિલ્મ રિલીઝની રાહ જુએ. અનેક ડિપાર્ટમેન્ટના લોકોનું ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ પણ હોટ સ્ટાર પર રિલીઝ થઈ શકે છે. જો ‘રાધે’ માટે આવી કોઈ તક મળે તો તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર જવા તૈયાર છે.
વધુમાં જોર્ડી પટેલે કહ્યું હતું કે તેમની ફિલ્મ હજી પૂરી થઈ નથી. આથી તેઓ આ અંગે વિચારતા નથી. જૂન-જુલાઈ સુધી મુંબઈ જેવી જગ્યાઓએ લૉકડાઉન રહેશે, તેવા ન્યૂઝ છે. જ્યાં સુધી રસી નથી આવતા ત્યાં સુધી વાઈરસ જીવનમાં રહેવાનો છે. આવામાં પબ્લિક પ્લેસ પર કોણ જશે? બાજુમાં કોણ બેઠું છે કોને ખબર? મનમાં સતત આ ડર રહેશે. મુંબઈ કલેક્શનની રીતે સૌથી મોટી ટેરિટરી છે.
જો ડિજિટલ પ્લેટફોર્મ 250-300 કરોડની ઓફર કરે તો સલમાનની ફિલ્મ રિલીઝ કરવામાં આવશે? તેના જવાબમાં જોર્ડીએ કહ્યું હતું કે જો આટલી રકમની ઓફર આવે છે તો તેને લઈને વિચાર કરવામાં આવશે. ફિલ્મનું બજેટ પણ જોવામાં આવશે. તેઓ ડિજિટલ પ્લેટફોર્મ માટે ઓપન છે. ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે એવી કોઈ કસમ લીધી નથી. થિયેટર જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી તેઓ બેસી રહી શકે તેમ નથી. એકાદ ફિલ્મ તેઓ અહીંયા રિલીઝ કરી શકે છે.