હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સલમાન ખાને પોતાનું સોંગ ‘પ્યાર કરોના’ રિલીઝ કર્યું છે. આ એક ઓડિયો સોંગ છે.
સલમાને લખ્યું અને ગાયું
સલમાન ખાને હુસૈન દલાલ સાથે મળીને આ ગીત લખ્યું છે. સલમાને જ ‘પ્યાર કરોના’ ગીત ગાયું છે. આ ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ કર્યું છે. ચાર મિનિટ લાંબા આ ગીતને સલમાને સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું કે ઈમોશનલી સાથે રહો અને ફિઝિકલી દૂર રહો. સલમાન ખાને આ ગીત પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું હતું. આ ગીતના શબ્દો ‘પ્યાર કરોના, એતિહાયત કરોના, ખ્યાલ રખોના, મદદ કરોના’ છે.
સલમાન ખાન હાલમાં પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં છે. લૉકડાઉનને કારણે તે મુંબઈ આવી શકે તેમ નથી. તેની સાથે સલમા ખાન, અર્પિતા તથા તેનો પરિવાર, સોહેલ ખાનનો દીકરો નિર્વાણ, લુલિયા વંતુર, વલુશ્ચા ડિસોઝા તથા જેક્લીન ફર્નાન્ડિઝ છે. હાલમાં જ સલમાન ખાને કહ્યું હતું કે તે હજી પણ કામ કરે છે. લૉકડાઉન જેવું પૂરું થશે એટલે તેને ખ્યાલ છે કે કેવી રીતે કામની શરૂઆત કરવાની છે. તેને આ ફાર્મહાઉસ ‘બિગ બોસ’ જેવું લાગે છે. અત્યારે બધા જ એકબીજાની નજીક છે અને અહીંયા કોઈ એલિમિનેટ થવાનું નથી. તેને સમય મળે ત્યારે તે પેઈન્ટિંગ પણ કરે છે. તે પિતા સલીમ ખાનથી પહેલી જ વાર આટલો દૂર રહ્યો છે. તે પિતા સાથે અવારનવાર ફોન પર વાત કરે છે.