બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધી. કપૂર પરિવારની ત્રીજી પેઢીનો આ લોકપ્રિય સિતારાની હવે યાદો જ આપણી પાસે છે. કપૂર પરિવાર એક સમયે પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. આ જ કારણે ઋષિ કપૂરના દિલમાં પાકિસ્તાન માટે હંમેશા સ્થાન હતું. તેઓ મરતાં પહેલા પાકિસ્તાન જવા માંગતા હતા. તેમની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. ઋષિ કપૂર પોતાને કાશ્મીરના દેવાદાર પણ કહેતા હતા.
1970-80ના દશકમાં લોકોને રોમાન્સ શીખવાડનારા ઋષિ કપૂર હંમેશા પોતાના દિલની વાત સાંભળતા અને કહેતા હતા. તેના કારણે અનેકવાર તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. પાકિસ્તાન અને કાશ્મીર વિશે પણ તેઓ પોતાનો મત રજૂ કરતા હતા. મોટાભાગના લોકોને જાણ છે કે કપૂર પરિવારનો સંબંધ પાકિસ્તાનના પેશાવર સાથે છે. પૃથ્વીરાજ કપૂર પોતાના પરિવાર અને સગા-વહાલાની સાથે ભારત આવ્યા અને પછી મુંબઈમાં સ્થાયી થયા.
કપૂર પરિવારે કાશ્મીરમાં અનેક ફિલ્મોનું શૂટિંગ કર્યું. ખુદ ઋષિ કપૂરની 15 ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે. તેમની પહેલી અને સૌથી જાણીતી ફિલ્મ બૉબીનું સૌથી લોકપ્રિય ગીત પણ અહીં જ શૂટ થયું હતું. આ ફિલ્મના નામે ગુલમર્ગ અને પહલગામમાં એક-એક હટ આજે પણ છે.
વચ્ચેના વર્ષોમાં કાશ્મીરમાં આતંકવાદના કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. આતંકવાદ ઓછો થયા બાદ ઋષિ કપૂર 23 વર્ષ બાદ 2011માં કાશ્મીર ગયા ત્યારે તેમણે કહ્યું કે, આ ગુલમર્ગ, આ જ કાશ્મીર છે. હું આજે જે પણ છું, આ જગ્યાએ મને બનાવ્યો છે. અમારો પરિવારનો કાશ્મીરની માટી સાથે સંબંધ છે. હું આજીવન કાશ્મીરથી પ્રેમ કરતો રહીશ અને તેનો દેવાદાર પણ રહીશ. મેં કાશ્મીરમાં તે બધા સ્થળોએ નિર્ણય કર્યો છે જયાં મારા પિતાએ મારી પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
ઋષિ કપૂરના મોતના સમાચાર આવ્યા તો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરનારા લોકોની જુવાળ આવી ગયો. સૌથી વધુ ચર્ચા ઋષિ કપૂરની પહેલી ફિલ્મ બૉબી માટે જ થઈ. લોકોએ કહ્યું કે ઋષિ કપૂરે રોમાન્સને અલગ અંદાજ આપ્યો. આવું કહેનારાઓમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સામેલ છે.
નોંધનીય છે કે, કપૂર પરિવારનું કાશ્મીર સાથે ખાસ કનેક્શન છે. પૃથ્વીરાજ કપૂર 1940માં પોતાના થિયેટર ગ્રુપ સાથે બે મહિના માટે કાશ્મીર ગયા હતા. રાજકપૂર પહેલા ફિલ્મમેકર હતા જેઓએ કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું. શમ્મી કપૂર અને શશી કપૂરની અનેક ફિલ્મ કાશ્મીરમાં શૂટ થઈ. ઋષિ કપૂરે 1972થી 1988ની વચ્ચે કાશ્મીરમાં 15 ફિલ્મોનું શૂટિંગ કર્યું. રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટારનું શૂટિંગ પણ કાશ્મીરમાં થયું છે.