પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી એકવાર એક નવા પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. અભિનેતાએ આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતા રામ ચરણ અને તૃષ્ણા કૃષ્ણન પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, તે ફિલ્મનો પ્રોજેક્ટ છે કે પછી જાહેરાત, તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ જાહેરાત ન હોઈ શકે.
શું છે વીડિયો ક્લિપમાં?
વીડિયોની શરૂઆત દીપિકા પાદુકોણથી થાય છે. જે પોલીસ સ્ટેશને જઈને તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવે છે. દીપિકા વીડિયોમાં કહી રહી છે કે સર મારા પતિ ગઈ રાતથી ગુમ છે. દીપિકા તેના પતિ માટે ચિંતિત દેખાઈ રહી છે. જ્યારે રણવીર સિંહ એક્શન અવતારમાં જોવા મળ્યો છે. તેના શોર્ટ હેરકટ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં એક્ટર રામચરણ પણ ગલીઓમાં દોડતો જોઈ શકાય છે. તૃષ્ણા કૃષ્ણન પણ પોલીસ સ્ટેશનની બહાર જોવા મળે છે. વીડિયોમાં રણવીર અને દીપિકાનો આ ઈન્ટેન્સ ડ્રામા ચર્ચામાં આવ્યો છે. ચાહકો દીપિકા અને રણવીરને નવી ફિલ્મોમાં કાસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે.
વીડિયો શેર કરતી વખતે રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું- મોટા ખુલાસા માટે તૈયાર રહો.