કંગના રનૌતની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કંગનાએ પોતાની બહેન રંગોલી ચંદેલને સપોર્ટ કર્યો હતો. થોડાં દિવસ પહેલાં જ રંગોલીની વિવાદાસ્પદ ટ્વીટ બાદ તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું હતું.
મુંબઈના એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખે કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક બહેન હિંસા તથા મારી નાખવાની વાત કરે છે. આ વાતનો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને કારણે તેનું ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ થયું. આટલું થયું છતાંય બીજી બહેન તેના સપોર્ટમાં આવે છે.
પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ તથા તેની બહેન-કમ-મેનેજર રંગોલીએ તેમના સ્ટારડમ, ફૅનબેઝ, ફૅમ, પૈસા, પાવરનો ખોટો ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં તેમણે પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
રંગોલીએ મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે તે રીતનો આક્ષેપ ફિલ્મમેકર રીમા કાગતી, એક્ટ્રેસ કુબ્રા તથા જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ મૂક્યો હતો અને ટ્વીટ પણ કરી હતી. રીમા કાગતીએ મુંબઈ પોલીસને ટેગ કરીને ટ્વીટ કરી હતી, તમે આ તરફ જોશો અને કોઈ પગલાં લેશો? આ ફૅક ન્યૂઝ ફેલાવે છે અને ચોક્કસ સમુદાયને લઈ હિંસા તથા તિરસ્કાર ફેલાવે છે. સુઝાન ખાનની બહેન ફરાહ ખાન અલીએ પણ ટ્વીટ કરીને રંગોલીની ધરપકડની માગણી કરી હતી. ત્યારબાદ રંગોલીનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.