1929થી શરૂ કરવામાં આવેલી ઓસ્કર અવોર્ડ સેરેમની પહેલી જ વાર ટાળી દેવામાં આવી છે. કોરોનાવાઈરસને કારણે વિશ્વભરના મોટાભાગના દેશોમાં લૉકડાઉન છે, જેને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. નોમિનેશન માટે પૂરતી એન્ટ્રી મળી નથી. આથી જ 28 ફેબ્રુઆરી, 2021ના રોજ યોજાનારા ઓસ્કર અવોર્ડ હવે મે-જૂન 2021માં યોજાશે.
ઓસ્કર એન્ટ્રી મોકલવાની પ્રક્રિયા માર્ચ કે એપ્રિલના અંત સુધીમાં શરૂ થઈ જાય છે. નવેમ્બર તથા ડિસેમ્બર દરમિયાન નોમિનેશનમાં આવેલી એન્ટ્રી શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે. જ્યૂરી મેમ્બર જાન્યુઆરીમાં વોટિંગ કરે છે. લૉકડાઉનને કારણે બોન્ડ સીરિઝની ‘નો ટાઈમ ટૂ ડાઈ’, ‘ટોપગન’, ‘મેવરિક’, ‘મુલન’ તથા ‘બ્લેક વિડો’ જેવી ફિલ્મ્સની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે.
ગયા મહિને એકેડેમીએ શિડ્યૂઅલ પર અપડેટ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વર્ષ 2022 સુધી નોમિનેશન માટે આપી શકાશે. આવું એટલા માટે કરવામાં આવ્યું કે મેકર્સ આ ફિલ્મ્સને આ વર્ષના અંત સુધી કે પછી આવતા વર્ષ સુધી રિલીઝ કરી શકે. આ સાથે જ તેમને એ વિશ્વાસ આવે કે તેમની ફિલ્મ ઓસ્કરમાં મોકલી શકાશે.
ઓસ્કર એકેડેમીએ મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યાં છે. જોકે, આ નિયમો કાયમી નથી. હાલમાં આ ફેરફાર માત્ર આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ પર જ અમલી બનશે. એકેડેમીએ એમ પણ કહ્યું હતું કે નોમિનેશન કેટેગરીની સંખ્યા ઘટાડીને 23 કરવામાં આવી છે.