મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ સ્ટૂડિયો પાર્ટનર, પ્રોડ્યૂસર્સ, કલાકારો તથા કન્ટેન્ટ ક્રિએટરને અપીલ કરી છે કે તેઓ પોતાની ફિલ્મ રિલીઝને હાલ પૂરતી ટાળે. MAIએ કહ્યું હતું કે થિયેટર્સ ખુલ્યા બાદ જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. ચર્ચા છે કે દેશભરમાં લૉકડાઉન હોવાને કારણે અનેક ફિલ્મ્સ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ચર્ચા બાદ MAIએ ફિલ્મ્સને થિયેટરમાં રિલીઝ કરવાની અપીલ કરી છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. MAIએ પ્રોડ્યૂસર્સને કહ્યું હતું કે થિયેટરનું સન્માન કરવામાં આવે. તેઓ તમામ પ્રોડ્યૂસર્સ, કલાકારોને અપીલ કરે છે કે તેઓ આ ઈન્ડસ્ટ્રીના અભિન્ન અંગ સમાન છે. થિયેટર ના ખુલે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ના કરવામાં આવે. સિનેમા એક્ઝિબિશન સેક્ટરને સપોર્ટ કરવાની અપીલ કરી હતી.
જ્યારે આ સંકટ ઓછું થશે ત્યારે નવી ફિલ્મ્સ તથા તેની વધેલી માગ ફિલ્મ વેપારમાં વધારો કરશે અને ઈન્ડસ્ટ્રીને ફરી પાટે લાવવામાં બહુ મોટું યોગદાન આપશે. મોટા પડદે ફિલ્મ જોવાનો સામાજિક અનુભવ સુરક્ષિત રાખવો જોઈએ અને આ તમામ લોકોના પ્રયાસથી સંભવ છે. MAI 18 પ્રાદેશિક તથા નેશનલ મલ્ટીપ્લેક્સ ચેનને રિપ્રેઝન્ટ કરે છે, આમાં પીવીઆર, આઈનોક્સ, કાર્નિવલ તથા સિનેપોલિસ જેવા મલ્ટીપ્લેક્સ સામેલ છે. MAI દેશભરમાં 2900 સ્ક્રીન ઓપરેટ કરે છે.