ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં જબરજસ્ત ટીઆરપી આપીને રેકોર્ડ બનાવી ચૂકેલા રામાયણના ઘણા કિસ્સા છે. રામાનંદ સાગરની સીરિયલના આ કલાકારોએ એટલી વધારે લોકપ્રિયતા મેળવી કે લોકો તેમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા.
શોમાં રામ, લક્ષ્મણ અને સીતાનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા ઘણીવાર જણાવી ચૂક્યા છે કે ગામમાં જતા જ લોકો તેમના પગ પકડી લેતા હતા. સ્પષ્ટ છે કે લોકપ્રિયતાના આ લેવલની તુલના અન્ય કોઈ વસ્તુ સાથે ન કરી શકાય. પરંતુ શું તમે જાણો છો કે તે સમયે કલાકારોને આટલી મહેનત કરવા માટે કેટલા પૈસા મળતા હતા? આ વિશે સુનીલ લહેરીએ રહસ્ય ખોલ્યું.
રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનિલ લહેરીએ જણાવ્યું, ‘બસ એટલું કહીશ કે પીનટ્સ મળતા હતા. ત્યારે એટલો ખર્ચો પણ નહોતો જે આજના જમાનામાં થાય છે.’ સુનીલે સ્પષ્ટ તો નહોતું જણાવ્યું કે તેમને કેટલા રૂપિયા મળતા હતા, પરંતુ એટલું જરૂર કહ્યું કે, ફી ખૂબ જ ઓછી મળતી હતી. જણાવી દઈએ કે રામાયણ સીરિયલનું શૂટિંગ 1987માં થયું હતું.
સુનીલે જણાવ્યું કે, આજે કોઈ એક્ટર એક શો કરીને ઘર બનાવી શકે છે, પરંતુ ત્યારે અમે આખી રામાયણ કરીને પણ ઘર બનાવવાનું વિચારી નહોતા શકતા. આજની જેમ પહેલા લાઈફ સિક્યોર રાખવા જેવા વિચાર પણ નહોતા. આજે સમય નવા વિચાર સાથે આગળ વધી રહ્યો છે.
જે રીતે મનોરંજન જગત સતત આગળ વધી રહ્યું છે સુનીલ લહેરીએ તેની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરની રામાયણને દૂરદર્શન લોકડાઉન દરમિયાન ફરીથી પ્રસારિત થઈ રહી છે અને દર્શકો તેની ખૂબ મજા લઈ રહ્યા છે.