સિંગર કનિકા કપૂર પહેલી ભારતીય સેલિબ્રિટી હતી જેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કનિકાને થોડા સમય પહેલાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાઈ હતી.કનિકાને લઈને ઘણા ન્યૂઝ ફરતા હતા અને તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. આ બાબતે આખરે હવે કનિકાએ મૌન તોડ્યું છે અને એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર તેણે સ્ટે હોમ સ્ટે સેફના કેપ્શન સાથે એક સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
તેમાં લખ્યું છે કે, મને ખબર છે કે મારી સ્ટોરીના ઘણા અલગ અલગ વર્ઝન બહાર ફરી રહ્યા છે. અમુક વધારી ચડાવીને ફેલાવવામાં આવ્યા છે કારણકે મેં અત્યારસુધી ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. હું ખોટી હતી એટલે ચૂપ રહી ન હતી અને મને પૂરી ખાતરી હતી કે લોકો વાતને ખોટી રીતે સમજશે અને ખોટી માહિતી શેર કરશે. હું સત્ય જાતે બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. હું મારા પરિવાર, મિત્રો અને સપોટર્સનો આભાર માનું છું કે તેઓએ મને હું વાત કરવા માટે તૈયાર થાઉં ત્યાં સુધી મને સમય આપ્યો.
કનિકાએ આગળ અમુક હકીકત શેર કરતા લખ્યું કે, મને અમુક ફેક્ટ્સ તમારી સાથે શેર કરવા છે. હું હાલ લખનઉમાં ઘરે છું અને મારાં માતાપિતા સાથે સમય વિતાવી રહી છું. યુકે, મુંબઈ અને લખનઉમાં હું જેટલા લોકોના સંપર્કમાં આવી હતી તેમાંના કોઈપણ લોકોને કોવિડ -19ના લક્ષણ ન હતા અને એ તમામના રિપોર્ટ્સ પણ નેગેટિવ આવ્યા છે.
હું યુકેથી મુંબઈ 10 માર્ચના આવી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મારું ડયુઅલી સ્ક્રીનિંગ થયું હતું. એ દિવસે કોઈ એવી એડવાઈઝરી રિલીઝ થઇ ન હતી કે મારે ખુદને ક્વોરન્ટીન કરવાની જરુર છે. યુકે ટ્રાવેલ એડવાઈઝરી 18 માર્ચના રિલીઝ થઇ હતી. મારી તબિયત એકદમ સારી હતી અને મેં ખુદને ક્વોરન્ટીન કરી ન હતી.
હું પરિવારને મળવા માટે 11 માર્ચે લખનઉ આવી. ત્યાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે કોઈ સ્ક્રીનીંગનું સેટ અપ ન હતું. 14 અને 15 માર્ચના રોજ મેં ફ્રેન્ડને ત્યાં લંચ અને ડિનર અટેન્ડ કર્યા હતા. મેં કોઈપણ પાર્ટી હોસ્ટ કરી ન હતી અને મારી તબિયત એકદમ સ્વસ્થ હતી. મને 17 અને 18 માર્ચના લક્ષણો દેખાયા અને મેં ટેસ્ટ માટે રિકવેસ્ટ કરી હતી. 19 માર્ચના મારો ટેસ્ટ થયો અને 20 માર્ચે મને ખબર પડી કે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં હોસ્પિટલ એડમિટ થવાનું નક્કી કર્યું. 3 નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ મને ડિસ્ચાર્જ કરવામાં આવી અને ત્યારબાદથી હું 21 દિવસ સુધી મારા ઘરમાં જ હતી.
તેણે ડોક્ટર્સ અને નર્સનો પણ આભાર માન્યો છે. તેણે એવું પણ લખ્યું કે, માણસ પર ગમે એટલી નેગેટિવિટી થોપો પરંતુ સત્ય બદલવાનું નથી.