રૉક ઑન, જલ અને એરલિફ્ટ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેતા પૂરબ કોહલીનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો, તેની સાથે સાથે આખા પરિવારને પણ આ વાયરસે પોતાના ઝાપટામાં લઈ લીધો હતો. તે પરિવાર સાથે લંડનમાં રહે છે. જો કે, હવે તે અને તેનો પરિવાર કોરોના સામે જંગ જીતી ગયા છે. કોરોના થવા અને પછી સાજાં થવાને લઈને પૂરબે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિસ્તારપૂર્વક માહિતી આપી છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેના જનરલ ફિઝિશિયને મને જણાવ્યું હતું કે, હું અને મારો આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે. તેના પરિવારમાં સામાન્ય વાયરસ જેવા જ લક્ષણ દેખાતા હતા પણ જનરલ ફિઝિશિયને કહ્યું હતું કે, તે લોકો કોરોના વાયરસથી પીડિત હતાં. હવે જોકે એક સપ્તાહ બાદ અભિનેતાનો આખો પરિવાર સાજો થઈ ગયો છે. જોકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પહેલા અભિનેતાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેના પરિવારના સભ્યોની તબિયત કથળી હતી. જોકે તે બાદમાં સારી થઈ ગઈ હતી. હવે આ વાતને બે સપ્તાહ બાદ અભિનેતાએ લખ્યું છે કે, દોસ્તો, અમને સામાન્ય ફ્લ્યૂના લક્ષણો હતાં. પણ અમે અમારા જનરલ ફિઝિશિયનને તેના લક્ષણો વિષે તપાસ કરાવી તો તેમણે અમારામાં કોરોનાના સંક્રમણની જાણકારી આપી હતી. અમને શરીરમાં કફ અને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ હતી.
પૂરબ કોહલીએ કહ્યું હતું કે, સૌથી પહેલા તેની દિકરી ઈનાયાની તબિયત બગડી હતી. તેને બે દિવસ સુધી શરદી અને કફ થયો હતો. ત્યાર બાદ પત્ની લકી પાયટેનને છાતીમાં કેટલીક સમસ્યા ઉભી થઈ હતી. તેને પણ કફની સમસ્તા વર્તાઈ હતી. તેવી જ રીતે ઘરના તમામ લોકોને કફની તકલીફ હતી. જ્યારે મને તો હદ વગરની શરદી થઈ. લગભગ ત્રણ દિવસ સુધી મને ચિડચિડિયો બનાવી દે તેવી શરદી અને કફની સમસ્યામાંથી પસાર થવુ પડ્યું હતું. જોકે આ દરમિયાન મને તાવ નહોતો આવ્યો. અમારા ત્રણેયના શરીરનું તાપમાન 100 થી 101 ફેરેનહાઈટ હતુ. પરંતુ ઓસને સૌથી વધારે લગભગ 104નું તાપમાન હતું. લગભગ ત્રણ રાત સુધી તબીયત ખરાબ રહી. તેમના નાકમાંથી સતત પાણી પડતુ હતું. સાથે થોડો થોડો કફ પણ થવા લાગ્યો. લગભગ પાંચ દિવસ બાદ તેને તાવ હટ્યો.
પૂરબે પોતાની પોસ્ટમાં તેણે ઘરેલુ ઉપાય કયા કર્યાં તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું, અમે દિવસમાં ચારથી પાંચવાર નાસ લેતા હતાં. આ ઉપરાંત મીઠાના પાણીથી કોગળા કરતાં હતાં. આદુ-હળદર-મધ ત્રણેય મિક્સ કરીને લેતા હતાં અને તેનાથી પણ ગળામાં રાહત મળતી હતી. આ ઉપરાંત ગરમ પાણીથી સ્નાન કરતાં હતાં અને છાતી પર ગરમ પાણીની બોટલ મૂકતા હતાં. આ ઉપરાંત બહુ જ આરામ કરતા હતાં. બે અઠવાડિયા બાદ હવે લાગે છે કે અમે ઠીક થઈ રહ્યાં છીએ. પોસ્ટને અંતે પૂરબ કોહલીએ કહ્યું હતું, મહેરબાની કરીને ઘરમાં જ રહો. આશા છે કે તમને કોઈને આ ના થયું હોય પરંતુ જો તમને થયું હોય તો તમારું બૉડી આના સામે લડવા માટે પૂરતુ સક્ષમ છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે કરવું. શક્ય હોય તો પૂરતો આરામ કરવો.