દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSE ની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. CBSE ની ધોરણ 10ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, CBSEની બોર્ડની પરીક્ષાઓ મુદ્દે પીએમ મોદીએ બુધવારે તાબડતોબ બેઠક બોલાવી હતી જેમાં શિક્ષણમંત્રી સહિત અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં.
જ્યારે ધોરણ 12 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલી જૂન બાદ પરિસ્થિતિને જોયા બાદ પરીક્ષા લેવામાં આવશે. દેશમાં કોરોના મહામારીથી પેદા થયેલી હાલની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે એવુ પ્રથમવાર બન્યુ છે કે જ્યારે સીબીએસઈએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરવી પડી છે.
હવે પ્રશ્ન એ પણ છે કે આવામાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ માટે સીબીએસઈ માપદંડ બનાવશે, તેના આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવશે.