લૉકડાઉનને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરી અસર થઈ છે. ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મને હવે થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે. હવે ચર્ચા છે કે અભિષેક બચ્ચન-રાજકુમાર રાવની ‘લુડો’ તથા અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.
એમેઝોને આ બંને ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા છે. આ બંને ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમાર છે. બંને ફિલ્મ બનીને તૈયાર છે અને તેથી જ આ બંને ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના મતે, પ્રોડ્યૂસર્સે આમાં પૈસા રોક્યા હોય છે અને તેઓ જલ્દીથી આ રોકાણનું વળતર પરત મેળવવા ઈચ્છે છે. જોકે, છેલ્લાં દોઢ મહિનાથી થિયેટર બંધ છે. લૉકડાઉન ખુલ્યા બાદ પણ થિયેટરમાં કેટલાં લોકો આવશે, તે એક સવાલ છે. આથી જ પ્રોડ્યૂસર્સ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે.
નાગરાજ મંજુલેની આ ફિલ્મ સ્લમ સોકર ફાઉન્ડર વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોફેસરનો રોલ પ્લે કર્યો છે અને તેઓ સ્લમ એરિયાના બાળકોને ફૂટબોલ શીખવે છે અને તેની ટીમ બનાવે છે.
અનુરાગ બાસુના ડિરેક્શનમાં બનેલી ‘લુડો’માં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શૈખ અને સાન્યા મલ્હોત્રા છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કેટલાંક કારણોસર ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. ત્યારબાદ ફિલ્મ આ વર્ષે 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી.