કોફી વિથ કરણની બેક ટુ બેક 6 સક્સેસફુલ સિઝન બાદ હવે એ ગોસિપ અને વિવાદનો પર્યાય બની ગયો હોય એવું લાગે છે અને આવનાર સીઝન-7 પણ કંઈ અલગ રહેવાની નથી. કોફી વિથ કરણ 7નું ટ્રેલર આવતાં અઠવાડિયે શોની વાપસી પહેલાં શનિવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં કરણ જોહરના લોકપ્રિય શોની આગામી સીઝનમાં કેવી ધમાલ મચશે? તેની એક ઝલક બતાવવામાં આવી છે.
આ સિઝનના સેલિબ્રિટી મહેમાનોની લિસ્ટ તો હજુ સુધી સામે આવી નથી, પરંતુ સિઝન-7ના ટ્રેલરમાં રોમાંચ અને હાસ્યનો તડકો ઉમેરતી અમુક જોડીઓનાં ચહેરાં નજરે પડ્યાં છે. રણવીર સિંહ અને તેની ગલીબોય અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની કો-સ્ટાર આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને વરુણ ધવન, અનન્યા પાંડે તેના લાઈગર ફિલ્મના કો-સ્ટાર વિજય દેવરાકોન્ડા, અક્ષય કુમાર અને સામંથા રૂથ પ્રભુ, સારા અલી ખાન અને જાન્હવી કપૂર, કિયારા અડવાણી અને શાહિદ કપૂરનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં રણવીરે અનેક હાઇલાઇટ્સ આપી હતી, જેમાં રણવીરે કહ્યું હતું કે તેની પાસે અનેક ‘સેક્સ પ્લેલિસ્ટ્સ’ છે તો સારાએ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે ગમ્મતમાં ટિપ્પણી કરતાં કહ્યું કે, તેનો એક્સ બોયફ્રેન્ડ દરેકનો એક્સ બોયફ્રેન્ડ છે. આ સિવાય સામંથાએ કરણ પર એવો આક્ષેપ લગાવ્યો હતો કે, તે ઘણાં ‘અનહેપી મેરેજ’ માટે કારણભૂત છે.
કરણે અગાઉ શેર કર્યું હતું, કે આ શોનો હેતુ હંમેશાથી મસ્તી કરવાનો હતો, પરંતુ આજકાલ તે વધુ પડતું મુશ્કેલ બની ગયું છે, કારણ કે લોકો શોમાં જે કહે છે તેના વિશે વધુ પડતાં સાવચેત થઈ ગયા છે. કરણે ફિલ્મ કમ્પેનિયનને કહ્યું, શો માં આવનાર દરેક વ્યક્તિ એવું કહે છે, ‘શું તમે મને આ વિશે પૂછશો?’, ‘તમે મને આ વિશે પૂછશો નહી’ ‘શું તમે આ પાર્ટ કટ કરી શકો છો?’
કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે, રણબીર કપૂરે આ શો કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રણબીરે કરણને કહ્યું, ‘હું તારા શોમાં નથી આવવાનો, કારણ કે મારે આની કિંમત ખૂબ લાંબા સમય સુધી ચૂકવવી પડશે. મારે મારી સાથે આવું શા માટે કરવું જોઈએ. તેણે કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું અને હું તને તારા ઘરે મળીશ અને તારી સાથે વાત કરીશ. તમે મને ઘરે આવું ત્યારે કોફી પીવડાવજો, પરંતુ પ્લીઝ હું આ શો માટે નથી આવી રહ્યો.’
આ વર્ષની શરૂઆતમાં આ શોની નવી સિઝનની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉની સીઝન્સ સ્ટાર વર્લ્ડ પર પ્રસારિત થઈ હતી. જોકે, હવે આ શો 7 જુલાઈથી ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાનો છે.