મીનાક્ષી શેષાદ્રી 90ના દાયકાની સૌથી સુપરહિટ એક્ટ્રેસમાંની એક છે. તેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાના બળ પર ખૂબ નામ કમાયું હતું. પરંતુ આટલી ઊંચાઈ પર પહોંચ્યા છતાંય તેણે એકાએક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. 56 વર્ષની થઈ ચૂકેલી મીનાક્ષી શેષાદ્રી લાઈમલાઈટથી દૂર શાંતિપૂર્વક જીવન વ્યતીત કરી રહી છે.મીનાક્ષીનો જન્મ ઝારખંડના સિંદરીમાં તમિલ પરિવારમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે જ 1981માં તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેના ત્રણ વર્ષ બાદ તેણે બૉલિવુડમાં ડેબ્યુ કર્યું.
તેની પહેલી ફિલ્મ પેઈન્ટર બાબુ હતી.ફિલ્મ હીરોથી મીનાક્ષી બધાની નજરમાં આવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી. મીનાક્ષી સામે જેકી શ્રોફ હતો. મીનાક્ષીએ દામિની ફિલ્મથી બધાને પોતાની એક્ટિંગના દીવાના બનાવી દીધા હતા. બોલિવુડ પર રાજ કર્યા પછી 1995માં મીનાક્ષીએ ઈન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા.લગ્ન પછી મીનાક્ષી અમેરિકાના ટેક્સાસમાં વસી ગઈ. તેને એક દીકરી અને બે દીકરા છે.
મીનાક્ષીને એક્ટિંગ ઉપરાંત ડાંસનો ખૂબ શોખ છે. તે ફિલ્મથી ભલે દૂર હોય પરંતુ ડાંસ સાથે તેણે પોતાની જાતને જોડી રાખી છે. ટેક્સાસમાં મીનાક્ષી પોતાની ચેરિશ ડાન્સ સ્કૂલ ચલાવે છે. 2008માં મીનાક્ષીએ આ સ્કૂલ ખોલી હતી અને થોડા જ સમયમાં આ લોકપ્રિય ડાન્સ સ્કૂલ બની ગઈ. અહીં બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો ડાંસ શીખવા આવે છે.