અમેરિકન લેખિકા લોરેન મોડ્રેએ તાજેતરમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક રમુજી ટ્વિટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ‘તમે કોઈ પ્રખ્યાત તારલા સાથે અત્યાર સુધીની સૌથી વિચિત્ર વાતચીત કરી છે, તેના વિશે કહો’. લોરેનના ટ્વીટ પર હવે ઘણા યુઝર્સે પ્રખ્યાત તારલા સાથેની તેમની રસપ્રદ મીટિંગ વિશે જણાવ્યું છે.
પાકિસ્તાની ગાયક આતિફ અસલમ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા એક યુઝરે લખ્યું કે, “હું આતિફને મારી બહેન સાથે તેમના ઘરે પહેલીવાર મળ્યો હતો. તેમણે મને પૂછ્યું કે તમે શું કરો છો. તો મેં કહ્યું કે હું મેડિકલ વિદ્યાર્થી છું. પછી તેમણે મને ઓટોગ્રાફ તરીકે પેનાડોલ ટેબ્લેટ લખી. તે વિચિત્ર હતું પણ હું હજુ તેમને પ્રેમ કરું છું.”
ઐશ્વર્યા રાય સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાધિકા સતનામ નામના યુઝરે લખ્યું કે, “1994માં એક સુંદર મહિલા મારા પડોશમાં ફોટોશૂટ કે પત્રકાર પરિષદ અથવા કંઈક માટે આવ્યા હતા. હું તે સમયે તે રૂમમાં હતી અને કોઈએ કહ્યું ઓહ, અહીં એક બાળક છે અને મને ઐશ્વર્યાના ખોળામાં મૂકવામાં આવી હતી, પણ દુર્ભાગ્યે મારી પાસે તે સમયના કોઈ ફોટા નથી.
એક યુઝરે લખ્યું કે, ‘હું એક સુપરમાર્કેટમાં ખરીદી કરી રહી હતી, મારી કાર્ટ સંપૂર્ણ ભરાઈ ગઈ હતી. આ સાથે હું લિફ્ટ પાસે ફસાઈ ગઈ, હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. પછી મેં જોયું કે હૂડી પહેરેલ એક વ્યક્તિ લિફ્ટમાંથી બહાર આવ્યા અને મારી કાર્ટને લિફ્ટની અંદર લઈ ગયા. મેં તેમને થેંક્સ કહ્યું, પણ હૃતિક રોશન હસીને ત્યાંથી ચાલ્યા ગયા.
એક યુઝરે ડાયરેક્ટર સુભાષ ઘાઈ સાથેની મીટિંગ વિશે લખ્યું કે, “દિલ્હી-બોમ્બે ફ્લાઈટમાં એક વ્યક્તિની બાજુમાં બેસી હતી. તેમણે મને તેમના સ્ટુડિયોમાં ફિલ્મો માટે ઓડિશન આપવાનું કહ્યું, જે મને એકદમ ડરામણું લાગ્યું. ઘણા સમય પછી, મને સમજાયું કે, તે માણસ સુભાષ ઘાઈ હતા અને તે મને તેમની ફિલ્મ કાંચી માટે ઓડિશન આપવા માટે કહી રહ્યા હતા.
એક પત્રકારે પીઢ અભિનેતા દેવ આનંદ વિશે લખ્યું કે, “હું ત્યારે ટીવી ટુડેમાં હતી. મને કહેવામાં આવ્યું કે દેવ આનંદ ફોન પર હતા અને તેઓ ઇચ્છતા હતા કે હું ફિલ્મ માટે ઓડિશન આપવા બોમ્બે આવું, ત્યારે તે 90 વર્ષની નજીક હશે. મને હજુ પણ યાદ છે કે, તેમણે મને મારું સરનામું ‘ઝિગ ઝેગ રોડ, પાલી હિલ’ લખવાનું કહ્યું હતું. પણ હું ક્યારેય ગઈ નથી.