એકતા કપૂરના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘અલ્ટ બાલાજી’ માટે એક નવી વેબ-સિરીઝનું શૂટિંગ ઑલમોસ્ટ પૂરું થઈ ચૂક્યું છે અને પોસ્ટ-પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. આ વેબ-સિરીઝનું નામ ‘કોડ એમ’ છે અને એની વાર્તા ભારતીય આર્મીના બૅકડ્રૉપમાં આકાર લે છે.ઇન્ડિયન આર્મીની લૉયર મોનિકા મેહરા મિલિટરી એન્કાઉન્ટરના એક કેસના ઇન્વેસ્ટિગેશન દરમ્યાન કંઈક કૉન્સ્પિરસી ભાળે છે અને એના ઉકેલ દરમ્યાન ઇન્ડિયન આર્મી હચમચી જાય એટલાં રહસ્યોનો ઘટસ્ફોટ થાય છે.
આ મોનિકા મેહરાનું પાત્ર જાણીતી ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિન્ગેટ ભજવી રહી છે. તેની સાથે ઑફિસર અંગદના પાત્રમાં તનુજ વીરવાણી છે. ૨૯ ડિસેમ્બરે રિલીઝ થનારી આ સિરીઝમાં જાણીતા અભિનેતા અને ડિરેક્ટર રજત કપૂર પણ મહત્ત્વના રોલમાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે ‘કલર્સ’ના શો ‘બેપનાહ’માં દેખાયેલી જેનિફર વિન્ગેટનો ડિજિટલ-વર્લ્ડમાં આ ડેબ્યુ છે. તેની ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન સોની પર આવેલી રોમૅન્ટિક-થ્રિલર ‘બેહદ’ સિરિયલની બીજી સીઝન પણ ૧૮ નવેમ્બરે ઑન-ઍર થઈ રહી છે. ‘બેહદ’માં જેનિફરનું ‘માયા મલ્હોત્રા’નું પાત્ર ખુબ જ લોકપ્રિય થયું હતું. જોવાનું એ છે કે દર્શકોને અક્ષય ચૌબે દિગ્દર્શિત કોર્ટરૂમ ડ્રામા સિરીઝ ‘કોડ એમ’માં આર્મી ઑફિસરના યુનિફૉર્મમાં સજ્જ જેનિફરનું પાત્ર કેવું લાગે છે.