બોલિવૂડ ફિલ્મ-મેકર ઈમ્તિયાઝ અલીએ હવે મધુબાલાના જીવન પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. ઈમ્તિયાઝે ફિલ્મ બનાવવા માટે અધિકાર પ્રાપ્ત કર્યાં છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ ફિલ્મ બનાવશે કે પછી વેબ સીરિઝ બનાવશે……….બેગમ મુમતાઝ જેહાન દેહલવી એટલે કે મધુબાલાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. માત્ર 14 વર્ષની ઉંમરમાં મધુબાલાએ ‘નીલ કમલ’ ફિલ્મમાં રાજકુમારની હિરોઈન તરીકે કામ કર્યું હતું. મધુબાલાને બોલિવૂડની મર્લિન મનરો તરીકે પણ ઓળખવામાં આવે છે. મધુબાલાનું હાસ્ય લાખો ચાહકોને દિવાના બનાવી દેતું હતું. માત્ર 36 વર્ષની ઉંમરમાં હૃદયમાં કાણું હોવાથી મધુબાલાનું નિધન થયું હતું……….મધુબાલાએ પોતાની 22 વર્ષની ફિલ્મી કરિયરમાં 73 જેટલી ફિલ્મ્સમાં કામ કર્યું છે.
જોકે, તેમને માત્ર ‘મુઘલ-એ-આઝમ’ માટે ફિલ્મફેરમાં નોમિનેશન મળ્યું હતું. દીલિપ કુમાર સાથેના સંબંધો તથા કિશોર કુમાર સાથે લગ્નની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. આ ઉપરાંત મધુબાલાએ જીવનના અંતિમ દિવસો એકલતામાં પસાર કર્યાં હતાં…….ઈમ્તિયાઝની ફિલ્મમાં મધુબાલાનો રોલ કોણ પ્લે કરશે, તેની જાહેરાત કરવામાં આવી નથી. મધુબાલાની બહેન મધુર બ્રીજ ભૂષણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે કરીના કપૂર લીડ રોલ પ્લે કરે.