અમિતાભ બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યાં છે. ઉલ્લેખનીય છે કે 1969મા બિગ બીની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ સાત નવેમ્બરે રિલીઝ થઈ હતી. અમિતાભના 50 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં પૂરા થતાં અભિષેક બચ્ચને એક ઈમોશનલ મેસેજ સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે……..અભિષેકે પિતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, માત્ર દીકરા તરીકે નહીં પરંતુ એક એક્ટર તરીકે તથા એક ચાહક તરીકે…
આપણે તેમની મહાનતાના સાક્ષી રહ્યાં છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને તેમની પ્રશંસા કરવા માટે હજી ઘણું બધું બાકી પણ છે. અભિષેકે આગળ કહ્યું હતું કે સિનેમા પ્રેમીઓની કેટલીક પેઢીઓ એમ કહે છે કે તેઓ બચ્ચનના સમયમાં જીવ્યા છે.
કોન્ગ્રેચ્યુલેશન પા… ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ. અમે બીજા 50 વર્ષની રાહ જોઈ રહ્યાં છીએ………. 77 વર્ષીય અમિતાભ બચ્ચને 70ના દાયકામાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી. તેમણે ‘ઝંજીર’, ‘દિવાર’ તથા ‘શોલે’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપીને પોતાની એન્ગ્રી યંગમેનની ઈમેજ ઉભી કરી હતી. હાલમાં જ બિગ બીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી.