હોળીના તહેવારને દર વર્ષે હર્ષલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. આ પર્વ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથિના દિવસે ઉજવવામાં આવે છે. હોળી હિન્દુ ધર્મના પ્રાચીન તહેવારો માંથી એક છે. હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ સાથે સંબંધ ધરાવે છે. હોળીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે જેમાં પૂનમની રાત્રીએ હોલિકા દહન થાય છે અને બીજા દિવસે ધુળેટી એટલે કે રંગોનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
દેશના અલગ અલગ રાજ્યોમાં આ પર્વને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. વ્રજમાં તો હોળીનો તહેવાર વસંત પંચમી થી શરૂ થઈ જાય છે. વસંત પંચમી થી અહીરોજ ગુલાલથી હોળી રમવામાં આવે છે.
હોળી પર્વની કથા
ધર્મગ્રંથોમાં હોળી સંબંધિત આ પ્રાચીન કથાનું વર્ણન મળે છે. શાસ્ત્રો અનુસાર હોળીનો તહેવાર ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ ની યાદમાં મનાવવામાં આવે છે. પૌરાણિક ધર્મગ્રંથો અનુસાર હિરણ્યકશપુની બહેન હોલિકા વિષ્ણુ ભગવાનના ભક્ત પ્રહલાદ ને ખોળામાં બેસાડી અગ્નિમાં બેસી ગઈ હતી પરંતુ ત્યારે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશપુ અને હોલિકાના ષડયંત્રનો નાશ કર્યો અને પ્રહલાદ નું રક્ષણ કર્યું. ત્યારથી દર વર્ષે હોલિકા દહન ધામધૂમથી કરવામાં આવે છે.
ધુળેટીનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર હોળીને અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. હોળીકા દહન પછી બીજા દિવસે લોકો એકબીજાને રંગ લગાડે છે. આ દિવસે લોકો એકબીજા માટેના મતભેદ ભૂલીને એકબીજાના રંગે રંગાઈ જાય છે. ધુળેટી ઉજવવાથી આપસી પ્રેમ અને સ્નેહ વધે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોલિકા દહનમાં ભગવાન કૃષ્ણએ નકારાત્મક શક્તિનો નાશ કર્યો હતો ત્યાર પછી બીજા દિવસે લોકોએ ધુળેટી ઉજવી હતી.
હોલિકા દહનનું મુહૂર્ત
હોલિકા દહનના દિવસે એટલે કે 24 માર્ચે ભદ્રકાળ સવારે 9:55 થી શરૂ થઈ રાત્રે 11.13 મિનિટ સુધી રહેશે. તેથી હોળિકા દહન માટે મૂડી રાત સુધી રાહ જોવી પડશે. આ વર્ષે હોળિકા દહન માટે 1. 20 મિનિટનું શુભ મુહરત હશે.
હોલિકા દહનની પૂજા
આ પૂજા કરવા માટે હોલિકા દહન જે કરવાનું હોય તે જગ્યાએ જઈ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. પૂજામાં એક તાંબાના લોટામાં પાણી ભરી તેના પર નાળિયેર રાખવું. ત્યારબાદ હોલિકાની પૂજા કંકુ ચોખા ગંધ પુષ્પ હળદર ગુલાલ છાંટીને કરવી. ત્યાર પછી શુભ મુહૂર્તમાં હોલિકાનું દહન કરવું અને પછી હોલિકા ફરતે હાથમાં કળશ અને નાળિયેર રાખી ચાર પ્રદક્ષિણા ફરવી. પ્રદક્ષિણા ફર્યા પછી નાળિયેરને હોળીમાં પધરાવી દેવું.