Vastu Tips: જ્યોતિષશાસ્ત્રમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવ્યા છે. પ્રથમ પૂજ્ય એટલે કોઈ પણ કાર્ય હોય તો સૌથી પહેલી પૂજા ગણપતિની કરવામાં આવે છે. ગણેશ પૂજા પછી જ દરેક શુભ કાર્ય શરુ થાય છે. વિઘ્નહર્તાની પૂજા કરવાથી દરેક કાર્ય વિઘ્ન વિના પાર પડે છે. તેથી જ તો ઘર, પરિવાર પર ગણપતિની કૃપા રહે તે માટે ઘરના મંદિરમાં પણ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરતા હોય છે. કેટલાક લોકો મુખ્ય દ્વાર ઉપર ગણપતિની તસવીર લગાવે છે.
વિધ્નહર્તાની ઘરમાં સ્થાપના
હિન્દુ ધર્મમાં કહેવાયું છે કે જીવનના દુઃખ અને સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો નિયમિત ગણપતિજીની પૂજા અને આરાધના કરવી. ગણપતિજીની વિધિવત પૂજા કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ગણપતિજીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ વધે છે. જોકે ઘરના મંદિરમાં જે ગણપતિજીની સ્થાપના થઈ હોય છે તેની તો નિયમિત પૂજા થાય છે પરંતુ ઘરના મુખ્ય દરવાજાની ઉપર જે પ્રતિમા કે તસવીર લગાડવામાં આવી હોય છે તેની રોજ પૂજા થઈ શકતી નથી.
વાસ્તુશાસ્ત્રના નિયમો
તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણપતિજીને સ્થાપિત કરવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો ગણપતિજીને ઘરના મુખ્ય દ્વાર પર બેસાડવાના હોય તો કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમને ધ્યાનમાં રાખીને ગણપતિજીને મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે છે.
કઈ દિશામાં રાખવું ગણપતિનું મુખ
વાસ્તુશાસ્ત્ર અનુસાર કન્યા મુખ્ય દરવાજા પર જો ગણપતિજીની પ્રતિમા કે તસ્વીર લગાવી હોય તો દિશાનું ખાસ ધ્યાન રાખવું. જો ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો ગણેશજીની પ્રતિમા લગાડવી શુભ રહે છે. પરંતુ જો ઘરનો મુખ્ય દરવાજો પશ્ચન કે પૂર્વ દિશામાં હોય તો ત્યાં ગણપતિજીની પ્રતિમા લગાડવી નહીં.
ગણપતિજીની મૂર્તિ
ઘરના મુખ્ય દરવાજા પર જે પ્રતિમા લગાડવાની હોય તે પણ વિશેષ હોય છે. કોઈપણ મૂર્તિ કે તસવીરને ઘરના મુખ્ય દરવાજા પર લગાડી શકાય નહીં. માન્યતા છે કે ઘરના મેઈન ગેટની ઉપર જે પ્રતિમા સ્થાપિત કરવાની હોય તે સકારાત્મક ઉર્જા સંચાર કરે છે. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. તેથી મૂર્તિ પણ યોગ્ય રીતે પસંદ કરવી.
ગણપતિજીની મૂર્તિનો રંગ
વાસ્તુ અનુસાર ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ વધારવી હોય તો ઘરના મુખ્ય દરવાજાની ઉપર સિંદુરી રંગના ગણપતિજી સ્થાપિત કરવા જોઈએ. મુખ્ય દ્વાર પર સિંદૂરી રંગના ગણપતિજીને સ્થાપિત કરવા શુભ ગણાય છે. સાથે જ તેમના હાથમાં મોદક અને તેમનું પ્રિય વાહન મૂષક પણ હોવા જોઈએ.
ગણેશજીની સુંઢ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિ બાપાની જે પ્રતિમા કે તસ્વીર લગાડો તેમાં તેમની સૂંઢ ડાબી તરફ તરફ વળેલી હોવી જોઈએ. જ્યારે ઘરની અંદર જે મૂર્તિ સ્થાપિત કરો તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. જેને જમણી સૂંઢના ગણપતિ પણ કહેવાય છે.