સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે યોગિની એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ વર્ષે 24 જૂન, શુક્રવારે આ વ્રત કરવામાં આવશે. આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. યોગિની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
એકાદશીનું વ્રત રાખનાર ઉપાસકે પોતાનું મન સ્થિર તથા શાંત રાખવું જોઇએ. કોઇપણ પ્રકારની દોષ ભાવના કે ગુસ્સો મનમાં રાખશો નહીં. અન્ય લોકોની નિંદા કરશો નહીં. આ એકાદશીએ શ્રી લક્ષ્મી નારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરો. ભૂખ્યા લોકોને અનાજ અને તરસ્યા લોકોને જળ પીવડાવો. એકાદશીએ રાત્રિ જાગરણનું મહત્ત્વ છે.
આ દિવસે સ્નાન કરીને સાફ કપડાં પહેરો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો, ચંદન, નાડાછડી, ધૂપ, દીપ, ફૂલથી પૂજા અને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકો અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપો. બીજા દિવસે સૂર્યોદય સમયે આરાધ્યદેવને ભોગ ધરાવો, દીપ પ્રગટાવો અને પ્રસાદનું વિતરણ કરી વ્રત ખોલો. માન્યતા છે કે, આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે