હિંદુ શાસ્ત્ર પ્રમાણે ગણેશ ચતુર્થીનું ઘણુ મહત્વ રહેલુ છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. ભગવાન શ્રીગણેશને ખુશ કરવા સરળ છે. કેમકે, ગણેશજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ જુએ છે. જે ભક્તો તેમના પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણેશજી તેના પર તેટલા જ કૃપાળુ બન્યા રહે છે. હિંદુ શાસ્ત્રોમાં ગણેશજીને ખુશ કરીને મનોકામના પૂરી કરવાના કેટલાક ઉપાયો પણ જણાવ્યા છે. તે આજે તમને જણાવીશું.
મોદક: પ્રથમ ઉપાય
તમને બધાને ખબર હશે કે ગણેશજીને સોંથી વધુ મોદકના લાડુ પસંદ છે. ગણપતિ અથર્વશીર્ષમાં લખ્યું છે કે જે વ્યક્તિ ગણેશજીને મોદકનો ભોગ લગાવે છે ગણપતિ તેના દરેક કાર્ય પૂર્ણ કરે છે. મોદકનો ભોગ લગાવવાથી મનોકામના પૂરી થાય છે તેવું શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. શાસ્ત્રોમાં મોદકની તુલના બ્રહ્મ સાથે કરી છે. તેમજ મોદકને પણ અમૃત મિશ્રિત ગણાય છે.
ઘી: બીજો ઉપાય
પંચામૃતમાં એક અમૃત ઘી હોય છે. ઘીને પુષ્ટિવર્ધક અને રોગનાશક કહ્યું છે. ગણપતિ અથર્વશીર્ષમાં ઘી થી ગણેશની પૂજાનું મોટુ મહાત્મય જણાવ્યું છે. તેમજ ભગવાન ગણેશને ઘી ઘણું પસંદ છે. જે વ્યકતિ ગણેશજીની પૂજા ઘીથી કરે છે, તેની બુદ્ધિ પ્રખર હોય છે. ઘીથી ગણેશની પૂજા કરતા વ્યક્તિ પોતાની યોગ્યતા અને જ્ઞાનના આધાર પર સંસારમાં ઘણું બધુ મેળવી લે છે.
દૂર્વા: ત્રીજો ઉપાય
ગણેશજીને ખુશ કરવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે દૂર્વા. દૂર્વામાં અમૃત હોય છે, તેમજ દૂર્વા ગણેશજીને પ્રિય હોય છે. ગણપતિ અથર્વશીર્ષમાં કહ્યું છે કે જે વ્યકતિ ગણેશજીની પૂજા દૂર્વાથી કરે છે તે કુબેર સમાન ગણાય છે. કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. કુબેરના સમાન હોવાનો અર્થ છે વ્યક્તિ પાસે ધન ધાન્યની કોઈ અછત નથી.